Thursday 14 March 2019

તમારું સ્થાન જોવું

એક વાર એક ગામમાં અમુક પર્યટકો ફરવા ગયા હતાં. એ ગામમાં માછીમારોની વસ્તી હતી. એકવારે એક પર્યટકે અને એક માછીમાર વચ્ચે અમુક ચર્ચા થઈ જે નીચે પ્રમાણે હતી…


પર્યટક – “તમે દિવસમાં કેટલી પાછલી પકડો છો અને કેટલાં સમયમાં?”


માછીમાર – “હું ત્રણ-ચાર કલાકના ગાળામાં જેટલી માછલી પકડાય એટલી માછલી પકડું છુ”….

 


પર્યટક – “બસ ત્રણ-ચાર કલાક! તો તમે ઘર કેવી રીતે ચલાવો છો અને બાકીના સમયમાં તમે શું કરો?”

માછીમાર – “મારું ઘર આટલામાં બરાબર રીતે ચાલે છે અને બાકીના સમયમાં અમે થોડો આરામ કરીયે, અમારા બાળકો સાથે રમીયે, થોડો સમય અમે અમારી પત્નિ સાથે ગાળીયે અને સાંજે બધાં મિત્રો સાથે મળી નવા ગીત ગાઈયે અને ગીતાર વગાડીયે અને જિંદગીનો આનંદ લુટીયે”.

પર્યટક – “જો હું એમ.બી.એ. ભણેલો છું અને શહેરમાં મારી પાસે મારો બંગલો છે, ગાડી છે અને તમામ સુખ હાજર છે, જો તું પણ આવી રીતે સમય બગાડે એના કરતાં તું વધારે સમય માછલી પકડ અને તેને વેચીને વધારે પૈસા કમાવવાનું ચાલુ કર”.

માછીમાર – “વધારે પૈસા કમાઈ ને હું શું કરું?”.

પર્યટક – “વધારે પૈસા કમાઈને તું બીજી બોટ ખરીદી કર એટલે તું હજું વધારે માછલી પકડી શકીશ અને હજું વધારે પૈસા કમાઈ શકીશ”.

માછીમાર – “પણ હું એટલાં બધાં પૈસા કમાઈને શું કરું?”

પર્યટક – “અરે તું વધારે પૈસા કમાઈ ને તું બે ની ત્રણ અને ત્રણની ચાર બોટ અને એમ કરતાં કરતાં તારી પાસે એટલાં બધાં પૈસા થઈ જશે કે તું આ નાના ગામડાંની બહાર નીકળી મોટા શહેરમાં રહેવા આવી શકીશ અને તારી પારે ગાડી-બંગલા બધુ થઈ જશે અને પછી તું તારા પરિવાર સાથે આનંદની જિંદગી વિતાવી શકીશ”.

માછીમાર – “આ બધું કરવા માટે મને કેટલો સમય લાગશે?”.

પર્યટક – “અંદાજે ૨૦ થી ૨૫ વરસ”.

માછીમાર – “સાહેબ, મારા પરિવાર સાથે અત્યારના જ આનંદની જિંદગી વિતાવી રહ્યો છું તો શા માટે હું મારા ૨૦ થી ૨૫ વરસ બરબાદ કરું?”
આ સાંભળી પર્યટક વિચારતો રહી ગયો અને તેની પાસે આને માટે કોઈ જવાબ નહતો.

બોધ – તમે કયાં છો તે પહેલાં જુઓ કદાચ તમારી મંજીલ તમારી સાથેજ હોય અને તમે તેને બીજે શોધવામાં પડયાં હોઈ શકો

પસ્તાવો

એક કારીગર હતો. લાકડા પરની નકશીમાં એ નિષ્ણાંત હતો. આખાય પંથકમાં એની નકશીના ખુબ વખાણ થતા હતા. એ હવે વૃધ્ધ થયો એટલે એણે નક્કી કર્યુ કે મારે હવે આ કામમાંથી નિવૃતિ લઇને શાંતિથી જીવન જીવવું છે અને બાકીનું જીવન મારા પરિવાર સાથે મારા ઘરમાં જ વિતાવવું છે.

પોતાના માલિક પાસે જઇને આ કારીગરે પોતાને હવે નિવૃત કરવા માટે વિનંતિ કરી. માલિક આવા સારા કારીગરને કોઇપણ સંજોગોમાં ખોવા માંગતા નહોતા એટલે એમણે કામ ચાલુ રાખવા માટે ખુબ સમજાવ્યો પણ કારીગર પોતાના નિર્ણયમાં મક્કમ હતો. નાછુટકે માલિકે એને કામ છોડવાની મંજુરી આપી પણ એક શરત મુકી કે તારે જતા પહેલા એક છેલ્લુ કામ કરવાનું એ કામ પુરુ થયા બાદ તને તારા કામમાંથી મુક્તિ આપવામાં આવશે. કારીગરે માલિકની વાત માન્ય રાખી.

માલિક દ્વારા અંતિમ કામ તરીકે એક સુંદર ભવનના નિર્માણનું કામ આ કારીગરને સોંપવામાં આવ્યું. આખુ મકાન લાકડામાંથી તૈયાર કરવાનું હતુ અને ગમે તેટલો ખર્ચ થાય પાછુ વાળીને જોવાનું ન હતું. કારીગર માટે આ આખરી કામ હતું આથી કામમાં એનું બહુ મન લાગતું ન હતું એના હાથ પણ હવે ઢીલા પડી ગયા હતા.

પહેલા એ પોતાની જાતે ઉત્તમ લાકડાની પસંદગી કરતો હતો પણ આ મકાન માટે એણે ઘણુ ખરુ કામ બીજા પર જ છોડી દીધુ હતું. જેમ તેમ કરીને એણે પોતાને સોંપાયેલા આ અંતિમ કામને પૂર્ણ કર્યુ અને એ પોતાના માલિકને મળવા માટે ગયો. તૈયાર થયેલા નવા ભવનની ચાવી એણે માલિકના હાથમાં મુકી અને હવે કામમાંથી નિવૃત કરવા માટે વિનંતી કરી.

માલિક પોતાના આ સૌથી પ્રિય કારીગર પાસે ગયા એને પ્રેમથી ભેટ્યા અને પછી કહ્યુ , “ ભાઇ તે વર્ષો સુધી મારા માટે કામ કર્યુ છે આથી તારી નિવૃતિ વખતે મારે એવી ભેટ આપવી છે જે તને જીવનભર યાદ રહે. નવા ભવનની આ ચાવી હવે તારી પાસે જ રાખ કારણ કે મારા તરફથી તને અને તારા પરિવારને હું એ ભેટમાં આપુ છું.”

કારીગર તો આ વાત સાંભળીને સુનમુન થઇ ગયો. એને ખુબ પસ્તાવો થયો કે મેં બીજા માટે કેવા સુંદર ઘર બનાવ્યા પણ મારુ જ ઘર સારુ ન બનાવી શક્યો. કાશ મને પહેલેથી ખબર હોત કે આ ભવન મને જ ભેટમાં મળવાનું છે.

સમજવા જેવી 3વાતો

ભર શિયાળામા એક નાનું પંખી ઉડતાં ઉડતાં ઠંડીથી થીજી જઈ એક ખેતરમાં પડ્યું. એટલામાં ત્યાંથી એક ગાય પસાર થતી હતી. એના છાણનું એક પોદડું એ પક્ષી ઉપર પડ્યું અને એ હુંફાળા છાણમાં ઢંકાઈ ગયું. થોડીવારમાં જ એના શરીરમાં હુંફ આવી ગઈ અને એ ખુશ થઈને ગાવા લાગ્યું. ત્યાંથી એક બિલાડી પસાર થતી હતી. ધ્યાન પૂર્વક સાંભળવાથી એ સમજી ગઈ કે અવાજ છાણના પોદડામાંથી આવે છે. એ પંજાથી છાણ ખસેડીને પક્ષીને પકડીને ખાઈ ગઈ.


આમા તમે કેટલી વાતો સમજ્યા? આમા સમજવા જેવી ત્રણ વાતો છે.
(૧) કોઈ આપણા ઉપર કાદવ ઉડાડે તો હંમેશાં આપણો શત્રુ નથી હોતો.
(૨) કોઈ આપણને એ કાદવમાંથી બહાર કાઢે તો હંમેશાં આપણો મિત્ર નથી હોતો.
(૩) જ્યારે પણ તમે કાદવથી ખરડાયલા હો ત્યારે ચૂપ રહેવામાંજ મજા છે


લાયકાત

એક આખલો અને એક કુકડો વાતો કરતા હતા. કુકડાએ કહ્યું, “મને પણ બીજા પક્ષીઓની જેમ ઉડીને આ ઝાડની ટોચપર બેસવાનું મન થાય છે, પણ મારી પાંખોમાં એટલું જોર નથી કે હું એટલે ઉંચે સુધી ઉડી શકું.”
આખલાએ કહ્યું, “મારા છાણમાં બહુ પ્રોટીન હોય છે, જો તું એ નિયમિત ખાય તો તારી પાંખોમાં જોર આવશે અને તું ઉપર સુધી ઉડી શકીશ.”
કુકડાએ છાણ ખાવાનું શરૂ કર્યું. પહેલે દિવસે જ એ છેક નીચલી ડાળી સુધી પહોંચી શક્યો. બીજા દિવસે એનાથી ઉપરની ડાળીએ જઈ બેઠો. થોડા દિવસમાં જ ઝાડની સૌથી ઉપરની ડાળીએ પહોંચી ગયો.


એટલામા એક બંદૂકધારી શિકારી ત્યાંથી પસાર થતો હતો. ઝાડ ઉપર બેઠેલો કુકડો એને સ્પષ્ટ દેખાતો હતો. એણે ગોલી ચલાવીને એને મારી નાખ્યો.


હવે તો તમે સમજી ગયા હશો!!
“Bulsheet થી તમે કોઈ કંપનીમાં ઊંચા ચડી શકો, પણ લાંબા સમય સુધી લાયકાત વગર એ પદ ઉપર ટકી ન શકો !!!”


બુદ્ધિશાળી કાગડો

એક કાગડો એક ખૂબ ઊંચા ઝાડની છેક ઉપરની ડાળીએ બેઠો બેઠો આરામ કરતો હતો. એટલામા એ ઝાડની નીચે એક સસલો આવ્યો. કાગડાને કંઈપણ કામકાજ કર્યા વગર આરામ કરતો જોઈ એણે કાગડાને પૂછ્યું, “હું પણ તમારી જેમ કંઈપણ કર્યા વગર આરામ કરી શકું?” કાગડાએ જવાબ આપ્યો, “કેમ નહિં?”
સસલાએ તો ખૂશ થઈ એ ઝાડની નીચે આરામથી લંબાવ્યું. થોડીવારમા તો એને ઊંઘ આવી ગઈ. એટલામા ત્યાં એક શિયાળ આવી ચડ્યું, સસલાને મારી ને ખાઈ ગયું.


હવે તમે કંઈ સમજ્યા કે નહિં?
કંઈપણ કામ કર્યા વગર આરામ કરવો હોય તો તમારૂં કંપનીમાં ખૂબ ઉપરના પદ પર હોવું જરૂરી છે!!


બાપા કાગડો

એક છોકરો. છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીક...