Wednesday 18 December 2019

બાપા કાગડો

એક છોકરો.

છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીકરાને રાજી કરવા માટે જે પૂછે તેનો જવાબ આપ્યા કરે. કોઈ દિવસ ઘેલિયાને નાખુશ કરે નહિ. કોઈ દિવસ પોતે ખિજાઈ ન જાય. હંમેશાં ઘેલિયાભાઈ કહે તેમ કરે.

એક દિવસ ઘેલિયો બાપની સાથે દુકાને આવ્યો અને લાડથી બાપનો ખોળો ખૂંદવા લાગ્યો ને જે તે પૂછવા લાગ્યો. એટલામાં, દુકાનની સામે એક ઝાડ હતું. તેના પર એક કાગડો આવીને બેઠો ને ‘કો-કો’ કરવા લાગ્યો. ઘેલિયાએ કાગડાને જોયો, એટલે તેની તરફ આંગળી કરીને બાપને કહ્યું : ‘બાપા-કાગડો !’ બાપા કહે : ‘હા, ભાઈ ! કાગડો.’

ફરી વાર છોકરે બાપનો હાથ પકડી કહ્યું : ‘બાપા-કાગડો !’ બાપાએ એટલી જ ધીરજથી કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો’. જવાબ આપીને બાપ દુકાનના કામમાં જરા રોકાયો, એટલે વળી છોકરે બાપનો ગોઠણ હલાવી કહ્યું : ‘જુઓ તો બાપા-કાગડો !’

બાપે ધંધામાંથી ધ્યાન કાઢી ઘણી શાંતિથી કહ્યું : ‘હા, બેટા ! કાગડો.’

છોકરાને આટલાથી સંતોષ થયો નહિ. બાપ પાછો પોતાના કામમાં રોકાયો, ત્યાં તેની પાઘડી ખેંચી વળી બોલ્યો : ‘બાપા-કાગડો !’

બાપે જરા પણ ચિડાયા વિના કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો – હં.’ છોકરો તો વેને ચડ્યો ને વળી બોલ્યો : ‘જુઓ તો ખરા ! બાપા-કાગડો !’

બાપે ચોપડો લખતાં લખતાં છોકરા સામે જોઈને વળી કહ્યું : ‘હા હોં, બેટા ! કાગડો. એ કાગડો છે હં.’

થોડી વાર સુધી છોકરો કાગડા સામે જોઈ રહ્યો, અને વળી ઘૂરી આવી હોય તેમ બાપનો ખભો જોરથી હલાવીને બોલ્યો : ‘બાપા-કાગડો !’

બાપે જરા પણ ગુસ્સે થયા વિના કહ્યું : ‘હા, ભાઈ ! કાગડો.’ આ રીતે છોકરો તો વારેવારે બાપને ‘બાપા-કાગડો !’ ‘બાપા-કાગડો !’ એમ ચીંધતો ગયો, ને બાપ ‘હા, ભાઈ, કાગડો’ ‘હા, ભાઈ, કાગડો !’ એમ બોલતો જ રહ્યો. છેવટે છોકરો થાક્યો અને ‘બાપા-કાગડો’ બોલતો બંધ પડ્યો.

બાપ વાણિયો હતો, શાણો હતો. છોકરો જેમ જેમ ‘બાપા-કાગડો !’ ‘બાપા-કાગડો’ બોલતો ગયો તેમ તેમ તે પોતાના ચોપડામાં ‘બાપા-કાગડો !’ ‘હા, ભાઈ ! કાગડો’ એ પ્રમાણે લખતો ગયો. છોકરો થાકી ગયો ત્યારે બાપે ગણી જોયું તો બરાબર એકસો વાર ‘બાપા-કાગડો’ ‘હા, ભાઈ ! કાગડો’ લખાયેલું હતું. ભવિષ્યમાં કોઈ દિવસ આ ચોપડો કામ આવશે, એમ ધારી ડાહ્યા વાણિયાએ ચોપડાને સાચવીને જૂનાં દફતરોમાં મુકાવ્યો.

આ વાતને ઘણાં વર્ષો વીતી ગયાં. વાણિયો છેક ઘરડો થઈ ગયો હતો; ને પેલો ઘેલિયો ત્રીશ વર્ષનો જુવાન થઈ ગયો હતો. ઘેલિયો તો હવે મોટો શેઠ બની રહ્યો હતો અને વેપાર ધમધોકાર ચાલતો હતો. ‘ઘેલિયો’ સઘળે ‘ઘેલાશા’ ‘ઘેલાશા’ થઈ પડ્યો હતો ને તેનું બધેય બહુ માન હતું. પરંતુ ઘરડો વાણિયો દુ:ખી હતો.

ઘેલાશા તેને બહુ દુ:ખ આપતો હતો. બાપ બહુ કંટાળ્યો, એટલે ઘેલિયાને કેવા લાડથી ઉછેર્યો હતો એ તેને યાદ આપવાનો તેણે વિચાર કર્યો. એક દિવસ ઘરડો વાણિયો લાકડીને ટેકે ટેકે દુકાને ગયો અને ઘેલાશાની ગાદીએ ચડીને બેઠો. બાપને જોઈને દીકરો ચિડાયો ને મનમાં બબડ્યો : ‘આ ડોસો વળી અહીં ક્યાં આવ્યો ? નકામો ટકટકાટ કરશે અને મારો જીવ ખાશે !’

થોડી વારમાં ડોસાએ એક કાગડો જોઈ ટાઢે પેટે કહ્યું : ‘ભાઈ-કાગડો !’

ઘેલાશા તો ડોસાના પ્રશ્નથી જ વિચારમાં પડ્યા અને ચિડાઈને બોલ્યા : ‘હા, બાપા ! કાગડો.’

ડોસાએ વળી કહ્યું : ‘ભાઈ-કાગડો’

ઘેલાશાએ જરા વધારે ચિડાઈને અને કાંઈક તિરસ્કારથી જવાબ વાળ્યો : ‘હા, બાપા ! કાગડો.’

ડોસાએ જાણ્યું કે દીકરો ચિડાય છે. પરંતુ તે દીકરાની આંખ ઉઘાડવા જ આવ્યો હતો, તેથી પૂરેપૂરી શાંતિ રાખી ફરી બોલ્યો : ‘ભાઈ-કાગડો !’

ભાઈ તો હવે ભભૂકી ઊઠયા : ‘હા, બાપા ! કાગડો. હા, એ કાગડો છે. એમાં વારે વારે ‘ભાઈ-કાગડો !’ ‘ભાઈ-કાગડો !’ એમ શું બોલ્યા કરો છો ? મને મારું કામ કરવા દો ને !’ કહીને ઘેલાશા આડું મોં કરીને પોતાને કામે લાગ્યા.

ઘરડો વાણિયો કંઈ કાચો ન હતો. તેણે ઘેલાશાનો હાથ પકડી, કાગડા તરફ આંગળી કરી ઠંડે પેટે કહ્યું : ‘ભાઈ-કાગડો !’ હવે ઘેલાશાનો મિજાજ ગયો. તેણે વિચાર્યું : ‘આ ડોસો જો ને નકામો ‘ભાઈ-કાગડો’ લવ્યા કરે છે ! નથી કાંઈ કામ કે કાજ. નવરો પડ્યો એટલે નકામો લવારો !’

તેણે ડોસા સામે જોઈ કહ્યું : ‘બાપા ! ઘેર જાઓ. અહીં તમારું શું કામ છે ? દુકાને કામકાજમાં નાહક શા માટે ડબડબ કરો છો ?’ શાંતિથી જરા હસી, કાગડા સામી આંગળી કરી, ડોસો બોલ્યો : ‘પણ, ભાઈ-કાગડો !’

‘હા, બાપા ! કાગડો-કાગડો-કાગડો ! હવે તે કેટલી વાર કાગડો ? કાગડામાં તે શું છે તે ‘કાગડો’ ‘કાગડો’ કરો છો ?’ ડોસો ફરી વાર આંગળી કરી ‘ભાઈ-કાગડો !’ એમ બોલે તે પહેલાં ઘેલાશાએ વાણોતરને કાગડો ઉડાડી મૂકવાનું કહ્યું. કાગડાને ઉડાડી મુકાવ્યો. પછી લખતો લખતો, પોતાના મનમાં બળતો મોટેથી બબડ્યો : ‘ખરેખર, સાઠે બુદ્ધિ નાઠી તે બરાબર સાચું છે. આ ડોસાની બુદ્ધિ હવે છેક ગઈ છે.’

ડોસાની આંખે આંસુ આવ્યાં. તેણે જૂના વાણોતરને બોલાવીને પેલો જૂનો ચોપડો કઢાવી ઘેલાશાના હાથમાં ‘બાપા-કાગડો !’ ‘હા, ભાઈ ! કાગડો’ લખેલું પાનું મૂકયું. ઘેલાશાને તેના બાળપણની સઘળી હકીકત વાણોતરે કહી સંભળાવી.

ઘેલાશા તરત બધું સમજી ગયો : દીકરાએ બાપાની માફી માગી અને તે દિવસથી બાપની ખરા દિલથી ચાકરી કરવા લાગ્યો.

Tuesday 17 December 2019

જેવા સાથે તેવા


એક બગલો નદી કિનારે રહેતો હતો.

એક દિવસ એક શિયાળ નદીમાં પાણી પીવા આવી ચડ્યું. શિયાળ અને બગલા વચ્ચે ઓળખાણ થઈ. વાતવાતમાં બંને પાકા ભાઈ બંધ થયાં.

શિયાળ મીઠું મીઠું બોલે પણ એની દાનત હતી ખોરા ટોપરા જેવી. એક દિવસ શિયાળ કહે - બગલાભાઈ ! તમે મારા દોસ્ત થયા. તમને ખીર ભાવે છે ને ? કાલે હું ખીર બનાવી તમારા માટે લેતો આવીશ. તમે પેટ ભરી તે ખાજો. બગલાએ કહ્યું - સારું.

ચાલાક શિયાળ પહોળી તાસકમાં ખીર પીરસીને લઈ આવ્યું. શિયાળે બગલાને કાંઠે બોલાવ્યો. શિયાળ કહે - લો બગલાભાઈ, તમે નિરાંતે ખીર ખાઓ. હું તાસક પકડી રાખું છું !

બગલો ખીર ખાવા ગયો પણ તાસક હતી છીછરી ને બગલાની સીધી અણીદાર ચાંચ એટલે એ ખીર ખાઈ શક્યો નહિ. એ જોઈ શિયાળ મનમાં ને મનમાં મલકાયું.

બગલો મનમાં સમસમી ગયો. એણે કહ્યું - વાહ, શિયાળભાઈ ! તમે મારા માટે કેટલી સરસ ખીર બનાવી છે ! એની સુંગધથી જ મારું પેટ ભરાઈ ગયું છે. હવે એમ કરો આવતી કાલે તમે મારે ત્યાં જમવા આવજો. હું તમારા માટે તમને ભાવતી બાસુંદી બનાવીને તૈયાર રાખીશ.

જમવાનું આમંત્રણ મળતાં શિયાળ રાજી રાજી થઈ ગયું અને પોતાના ભાગની તેમ જ બગલાના ભાગની ખીર સફાચટ કરી ગયું.

બીજે દિવસે શિયાળ બગલાને ઘેર જમવા પહોંચી ગયું. બગલાએ સાંકડા મોં વાળા બે કૂંજામાં બાસુંદી ભરી તૈયાર રાખી હતી.

બગલો કહે - તમને બાસુંદી ભાવે છે. એટલે મેં બાસુંદી બનાવી છે. લો શિયાળભાઈ ખાવ. આમ કહી બગલાએ શિયાળ પાસે કૂંજો મૂકયો. બીજા કૂંજામાંથી બગલો બાસુંદી ખાવા માંડયો.

શિયાળ બાસુંદી ખાવા ગયું પરંતુ એનું મોં કૂંજામાં પેસી જ ન શક્યું. તે કૂંજો હાથમાં પકડી બગલાને બાસુંદી ખાતો જોઈ જ રહ્યું. બગલાની યુક્તિ શિયાળ સમજી ગયું. એ નરમ અવાજે બોલ્યું - બગલાભાઈ, તમારી બાસુંદીની સુવાસથી જ મારું પેટ ભરાઈ ગયું, હોં ! આમ કહી ઢીલા મોઢે એ જતું રહ્યું.

શિયાળને જતું જોઈ બગલો મનમાં કહે - જેવા સાથે તેવા થઈએ તો જ ગામ વચ્ચે રહેવાય, સમજ્યા !

ઉંદર અને સિંહ

 
એક જંગલમાં સિંહ રહેતો હતો.

ઉનાળાના દિવસો હતા. આકરો તાપ હતો. સિંહ ગરમીથી અકળાઈ ગયો હતો. તે ઝાડના છાંયે બેસી ઊંઘતો હતો. એવામાં એક ઉંદર ત્યાં આવી ચડ્યો. સિંહને ઊંઘતો જોઈ તે તેના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. તેના શરીર પર તે રમવા લાગ્યો.

ઉંદર સિંહની કેશવાળી પકડી ઝૂલા ખાતો હતો. ત્યાં તેની પૂંછડી સિંહના નાકમાં ભરાઈ. તેથી સિંહની ઊંઘ ઊડી ગઈ. તેણે 'હાક.. છી !' કરી છીંક ખાતાં ખાતાં એક ઉંદરને ભાગતો જોયો. તેણે નાસતા ઉંદરની પૂંછડી પોતાના પંજાથી દબાવી દીધી.

ઉંદર ખૂબ ડરી ગયો. તે કરગરીને બોલ્યો - સિંહદાદા આપ જંગલના રાજા છો. મારો એક ગુનો માફ કરી મને છોડી દો. જરૂર પડશે ત્યારે હું એનો બદલો વાળી આપીશ !

સિંહ એ સાંભળી હસી પડ્યો અને બોલ્યો - ઉંદરડા ! નાનકડા જીવડા જેવો તું વળી મને શી મદદ કરવાનો ?

ઉંદરે હાથ જોડી ફરી વિનંતી કરી - સિંહદાદા, એક વખત મને જીવતદાન આપો. તમારો ઉપકાર જિંદગીભર યાદ રાખીશ. આટલું બોલતાં ઉંદરની આંખમાં આંસુ આવી ગયાં. નાનકડા ઉંદરને રડતો જોઈ સિંહને તેની દયા આવી. તેણે ઉંદરને જવા દીધો.

થોડાક દિવસો પછી સિંહને પકડવા શિકારીઓ જંગલમાં ઘૂસી ગયા. તેણે સિંહને પકડવા જાળ પાથરી. પછી જાળને સૂકા પાંદડાંથી ઢાંકી દીધી. સિંહ ત્યાંથી ચાલવા ગયો. પણ તે શિકારીઓએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો. શિકારીઓએ તેને જાળમાં બરાબરનો બાંધીને ઝાડની ડાળીએ લટકાવી દીધો. પછી તેઓ તે સિંહને લઈ જવા માટે એક મોટું પાંજરું લેવા ગયા. સિંહે જાળમાંથી છૂટવાં ઘણાં ફાંફાં માર્યાં પણ કંઈ વળ્યું નહિ ! થાકીને સિંહે ગર્જના કરવા માંડી.

નાનકડા ઉંદરે સિંહની આ ગર્જનાઓ સાંભળી. તે સિંહનો અવાજ ઓળખી ગયો. તરત જ તે સિંહ પાસે દોડી આવ્યો. આવીને જૂએ તો સિંહદાદા ઝાડ ઉપર જાળમાં બંધાયેલા હતા.

ઉંદર બોલ્યો - સિંહદાદા, ધીરજ રાખજો. શિકારીઓ તમને લેવા આવે તે પહેલાં જ હું જાળ કાપી નાખીશ ને તમને બંધનમાંથી છોડાવી દઈશ ! એમ કહી ઉંદર ઝાડ પર સડસડાટ ચડી ગયો. પોતાના તીણા દાંતથી જાળ કાપવા માંડી. કટ … કટ … કટ…જોતજોતામાં તીણા દાંત વડે આખી જાળ કોતરી કાઢી.

જાળ કપાતાં સિંહ ભફાંગ અવાજ સાથે જમીન પર પડ્યો. છુટકારાનો દમ લેતાં તે બોલ્યો - મિત્ર, તારો ખૂબ આભાર. મોટાઈમાં ફુલાઈને તને નાનો જાણી તારી ખોટી અવગણના કરી પણ હવે મને તેનો પસ્તાવો થાય છે.

સિંહની વાત સાંભળી ઉંદરને સંતોષ થયો કે ભલે પોતે નાનો રહ્યો પણ પોતાના પર થયેલા ઉપકારનો બદલો તે બરાબર વાળી શક્યો હતો.

ઉપકાર નો બદલો અપકાર


એક કૂતરી હતી. કૂતરીને ચાર ગલૂડિયાં હતાં. રહેવા માટે તેની પાસે કોઈ જગ્‍યા નહોતી. શિયાળો આવી પહોંચ્‍યો. ખૂબ ઠંડી પડવા માંડી. કૂતરી અને બચ્‍ચાં ઠંડીમાં ધ્રૂજવા માંડ્યાં. કૂતરીને થયું કે જો રહેવાની કોઈ વ્‍યવસ્‍થા નહીં કરું તો બચ્‍ચાં મરી જશે. નજીકમાં જ એક કૂતરાની બખોલ હતી. કૂતરી કૂતરાને આજીજી કરીને બોલી, ‘ભાઈ, મારાં ગલૂડિયાં ટાઢમાં મરી જશે. બખોલમાં જગ્‍યા હોય તો બચ્‍ચાંને રહેવા દો.’

કૂતરો ભલો હતો. તે બોલ્‍યો, ‘બચ્‍ચાંને પણ લઈ આવ અને તું પણ આવી જા. હું બીજે જાઉં છું. થોડા દિવસ પછી આવીશ. ત્‍યાં સુધીમાં ટાઢ ઓછી થઈ જશે.’

કૂતરો જતો રહ્યો. જોતજોતામાં થોડાં દિવસો વીતી ગયા. ટાઢ પણ ઓછી થઈ ગઈ. એક દિવસ કૂતરો આવી પહોંચ્‍યોં. કૂતરીને કહ્યું, ‘હવે મારું ઘર ખાલી કરી આપ.’

કૂતરીને એ ઘર છોડવું નહોતું. એણે બહાનું કાઢીને કહ્યું, ‘મારાં બચ્‍ચાં હજી નાનાં છે. એમને લઈને ક્યાં જાઉં? થોડા દિવસ હજી અમને રહેવા દો તો મહેરબાની.’

કૂતરો બોલ્‍યો, ‘ભલે, થોડા દિવસ રહો. પણ હવે પાછો આવું ત્‍યારે ઘર ખાલી કરી આપજે.’

કૂતરો જતો રહ્યો. થોડો સમય વીતી ગયો. એક દિવસ કૂતરો આવી પહોંચ્‍યો. કૂતરાને દૂરથી આવતો જોઈને કૂતરી બખોલમાંથી બહાર આવી ગઈ. કૂતરો બોલ્‍યો, ‘હવે તો બચ્‍ચાં મોટાં થઈ ગયાં ને ?’

કૂતરીએ કહ્યું, ‘હા બહુ મોટાં થઈ ગયાં છે. એ ચાર ને હું પાંચમી. ને તું છે એકલો. જરાપણ ડબડબ કરીશ તો જોવા જેવી થશે. માટે છાનોમાનો જતો રહે અહીંથી.’

કૂતરો સમજી ગયો કે કૂતરીની દાનત બગડી છે. એણે પોતાનું ઘર પચાવી પાડ્યું છે. એ કંઈ બોલવા જાય ત્યાં તો મોટામોટા ચાર ડાઘીયા કૂતરા બહાર આવ્‍યા ને ઘૂરકવા માંડ્યા. કૂતરો નિરાશ થઈ ત્‍યાંથી ચાલતો થયો. ઘર ગુમાવ્‍યાનું એને બહુ દુઃખ થયું. પણ વધુ દુઃખ તો એને એ વાતનું થયું કે જે કૂતરી પર દયા કરી એ કૂતરીએ જ એનું ઘર આંચકી લીધું. પોતે એના પર ઉપકાર કર્યો પણ એણે કેવો બદલો વાળ્યો.

બીજા ઉપર ઉપકાર કરવા જતી વખતે એ વાત હંમેશા યાદ રાખવી કે આ જગતમાં ઘણા લોકો ઉપકારનો બદલો અપકારથી પણ વાળે છે !

ફુલનશી દેડકો

એક દેડકો હતો. તે પોતાનાં ચાર બચ્ચાં અને દેડકી સાથે કૂવામાં રહે. દેડકો ખૂબ ખાઉધરો. તે ખાઈ ખાઈ ખૂબ જાડો પાડો થઈ ગયો હતો. તે માનતો કે પોતાનાથી બીજું કોઈ મોટું છે જ નહિ.

દેડકાનાં ચારે બચ્ચાં કૂવાની પાળે રમતાં હતાં. તેમણે દૂરથી ચાલ્યો જતો એક હાથી જોયો. પહેલાં કોઈ દિવસ તેમણે આવું વિશાળકાય પ્રાણી જોયું ન હતું. તેઓ ખૂબ ડરી ગયાં ને કૂવાના પાણીમાં કૂદી પડ્યાં. પોતાની મા દેડકી પાસે જઈ બોલ્યાં, 'મા, મા આજે અમે એક મોટા કાળા પહાડ જેવું પ્રાણી જોયું. તેને લાંબું નાક હતું. મોટા ઝાડના થડ જેવા ચાર પગ હતા. ગાગર જેવું મોટું પેટ હતું'.

બચ્ચાંની વાત સાંભળી દેડકો મોટી ફલાંગો ભરતો ત્યાં આવી પહોંચ્યો ને બોલ્યો, 'હોય જ નહિ મારાથી મોટું બીજું કોઈ હોઈ જ ન શકે!'

ચારે બચ્ચાં કહે, ' ખરેખર અમે બહુ જ મોટું પ્રાણી જોયું છે.'

દેડકાએ પોતાનું પેટ ફુલાવ્યું ને પૂછ્યું, 'આટલું મોટું પ્રાણી?'

બચ્ચાં કહે, 'ના બાપા હજુ મોટું.'

દેડકાએ ફરી પોતાનું પેટ વધુ ફુલાવ્યું ને કહ્યું, 'આટલું મોટું?'

બચ્ચાં કહે, 'ના ખૂબ જ મોટું તેનું પેટ હતું.' દેડકાએ ખૂબ જોર કરી પોતાનું પેટ ફુલાવ્યું.

ચારે બચ્ચાં બોલી ઊઠયાં, 'ના તેનું પેટતો આનાથી ખૂબ જ મોટું હતું.'

દેડકો કહે, ' હવે જુઓ હું વધુ પેટ ફુલાવી તમને બતાવું છું કે હું કેટલો મોટો છું.'

દેડકી કહે, ' દેડકા રાજા તમે ખોટું જોર કરવાને બદલે આપણાં બચ્ચાંની વાત સમજો તો ખરા?'

દેડકો કહે, 'મારા કરતા બીજું કોઈ મોટું હોઈ જ ન શકે.' એમ કહીને તે ફરી ખૂબ જોર કરી પોતાનું પેટ ફુલાવવા લાગ્યો. થોડી વારે મોટા અવાજ સાથે દેડકાનું પેટ ફાટી પડ્યું.

બિચારો દેડકો ! ખોટું અભિમાન કરી પોતાની તાકાત કરતાં વધુ જોર કરવા જતાં પોતાનો જીવ ગુમાવી બેઠો

બળવાન કોણ?

એક વખત પવન અને સૂરજ ચડસાચડસીમાં ઊતરી પડ્યા. પવન કહે, ‘સૂરજ, તારા કરતાં હું બળવાન’.

‘તું બળવાન? હં!’ સૂરજે કહ્યું: ‘મારી આગળ તારી કશી વિસાત નહિ, સમજ્યો?’

પવને કહ્યું: ‘ના ના, તારા કરતાં હું ખૂબ બળવાન, બોલ!’

આ જ વખતે તેમણે પૃથ્વી પર રસ્તે ચાલ્યા જતા એક મુસાફરને જોયો. તેણે પોતાના શરીરે શાલ લપેટેલી રાખી હતી.

સૂરજે પવનને કહ્યું: ‘પેલા મુસાફરની શાલ આપણા બેમાંથી જે ઉતરાવે તે વધુ બળવાન. બોલ છે કબૂલ?’

પવને કહ્યું: ‘મંજૂર!’

‘જા, પહેલી તક તને આપું છું’, સૂરજે પવનને કહ્યું.

‘અરે, હમણાં જ તેની શાલ ઉડાડી દઉં છું. જોજેને!’ પવન બોલ્યો.

પવન મુસાફરના શરીર ઉપરથી શાલ ઉડાડવા જોરજોરથી ફૂંકાવા લાગ્યો. પરંતુ પવન જેટલો જોરથી ફૂંકાવા લાગ્યો, મુસાફર એટલા જ જોરથી શાલ કસીને પોતાના શરીર સાથે લપેટીને રાખવા લાગ્યો. આ સંઘર્ષ ત્યાં સુધી ચાલ્યો જ્યાં સુધી પવનનો વારો પૂરો ન થયો.

હવે સૂરજનો વારો આવ્યો. સૂરજે હળવેથી પૃથ્વી પર હૂંફાળું સ્મિત વેર્યું. મુસાફરને જરાક ગરમી લાગી. એણે તરત જ શાલની પકડ ઢીલી કરી નાંખી. જેમ જેમ સૂરજનું સ્મિત વધતું ગયું તેમ તેમ પૃથ્વી પર ગરમી વધતી ગઈ. હવે મુસાફરને શાલ ઓઢી રાખવાની જરૂર ન લાગી. તેણે શાલ ઉતારીને પોતાના હાથમાં લઈ લીઘી. પવનને માનવું પડ્યું કે પોતાનાથી સૂરજ બળવાન છે.

ઘણી વખત જે કામ બળથી ન થાય તે કેવળ મીઠડું સ્મિત કરી જાય છે!

ચોર ની લાકડી ટૂંકી

એક વખત નગરના મોટા પ્રતિષ્ઠિત વેપારીને ઘેર મોટી રકમની ચોરી થઈ ગઈ. વેપારીએ તે ચોરીની ફરિયાદ કાજી પાસે કરી પરંતુ ઘણી તપાસ કર્યા પછી પણ ચોરી કોણે કરી છે તે ખબર ન પડી ત્યારે તે મામલો અકબરના દરબારમાં આવ્યો.

અકબર બાદશાહે ચોરને શોધી કાઢવાનો હુકમ બીરબલને કર્યો. બીરબલે તે વેપારીને બોલાવ્યો અને પૂછ્યું: ‘તમને કોઈ પર શક છે? શક હોય તો કહી દેજો, ગભરાતા નહીં. તમને તમારું ચોરાયેલું ધન મળી જશે.’

વેપારીએ જવાબ દીધો, ‘હજૂર, મારો એવો અંદાજ છે કે મારા નોકરોમાંથી કોઈ એકે આ ચોરી કરી છે. કોઈ બહારના માણસનું આ કામ નથી. પરંતુ મારા ચાર-પાંચ નોકરોમાંથી કોણે ચોરી કરી હશે તે હું કહી શકતો નથી.’

બીરબલે સિપાહીને મોકલી તે વેપારીના નોકરોને તેડાવ્યા. જ્યારે ચારેય નોકરો આવી ગયા ત્યારે બીરબલે ચાર એક સરખી લાંબી લાકડીઓમાંથી એક એક લાકડી નોકરોને આપી અને કહ્યું: ‘જુઓ, આ જાદુઈ લાકડી તમારે ચારેયને તમારી પાસે આજ રાત પૂરતી રાખવાની છે.’

આમ કહી બીરબલે લાકડીઓ ઉપર મંત્ર ફૂંકવાનો ઢોંગ કર્યો. પછી કહ્યું: ‘કાલે સવારે આવીને તમારે ચારેયે મને સૌ સૌની લાકડી બતાવવાની છે. જેણે ચોરી કરી હતે તેની લાકડી કાલ સવારે એક વેંત લાંબી થઈ જશે. અને જેણે ચોરી નહીં કરી હોય તેની લાકડી એ જ માપની રહેશે.’ આમ કહી બીરબલે ચારેય નોકરોને અલગ અલગ ઓરડામાં બંધ કરી દીધા.

હવે બન્યું એવું કે જે ખરેખર ચોર હતો તેણે ઓરડામાં જઈ વિચાર્યું કે મેં ચોરી કરી છે તેથી મારી લાકડી સવાર સુધીમાં એક વેંત લાંબી જઈ જશે. તો હું આ લાકડીમાંથી એક વેંત અત્યારે જ કાપી નાખું તો સવારે મારી લાકડી લાંબી થશે તો બધા નોકરોની જેવડી જ થઈ જશે. આમ વિચારી તે ચોર નોકરે પોતાની લાકડી એક વેંત જેટલી કાપી નાખી.

તે લાકડી ખરેખર જાદુઈ નહોતી. સવારે જ્યારે ચારેય નોકરો પોતાની લાકડી લઈને હાજર થયા ત્યારે બીરબલે બધી લાકડી સાથે રાખી ને માપી અને તેણે તરત જ કહી દીધું કે આ એક વેંત નાની લાકડીવાળા નોકરે જ ચોરી કરી છે. નોકરની ચોરી પકડાઈ ગઈ હતી. તે હવે સજા મળવાના ભયથી ગભરાઈ ગયો. તેણે ચોરીની બધી વાત કબૂલ કરી લીધી. આમ બીરબલની ચતુરાઈને કારણે સાચો ચોર પકડાઈ ગયો અને વેપારીને તેનું ધન પાછું મળી ગયું અને ચોરને સજા થઈ.

પૈસા વેડફાઇ નહિ


એક વેપારીને ઘેર એકનો એક દીકરો. આથી માતા-પિતા પુત્રને બહુ લાડ કરે. એને ખુશ રાખવામાં તેઓ કોઈ ખામી આવવા દે નહિ.

વધારે પડતાં લાડથી પુત્ર બગડવા લાગ્યો. એ જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ વધુને વધુ ઉડાઉ થતો ગયો. ખોટો ખરચ ન કરવો જોઈએ એવી એને ખબર પડતી નહિ. આથી માતા-પિતાને ચિંતા થવા લાગી. પુત્રને સુધારવા માટે માતા-પિતાએ ઘણા પ્રયત્નો કર્યા. પણ કોઈ ફરક પડ્યો નહિ.

એક દિવસ પિતાએ પુત્રને કહ્યું: ‘બેટા, મારી પાસે જે કાંઈ છે તે તારું જ છે. પણ શરત એ કે તું પણ કમાઈ શકે છે એવું તારે બતાવવું પડશે. ત્યાં સુધી મારા પૈસામાંથી તને એક પૈસોય નહિ મળે.’

પિતાની ટકોરથી પુત્રને ખૂબ લાગી આવ્યું એણે નક્કી કર્યું, ‘હું કમાઈ શકું છું એવું ચોક્ક્સ બતાવી આપીશ.’

બીજે દિવસે પુત્ર કામની શોધમાં નીકળ્યો. ફરતા ફરતા તેને લારી ખેંચવાનું મળ્યું. કામમાં અનાજની ગૂણો લારીમાં મૂકવાની ને બીજે દિવસે જઈને ઉતારવાની હતી. આખો દિવસ કાળી મજૂરી કરી ત્યારે એને એક રૂપિયો મળ્યો. રૂપિયો લઈ એ ઘેર ગયો. એણે રૂપિયો પિતાજીને આપ્યો. ઘરની પાછળ વાડામાં એક કૂવો હતો. પિતાએ તો પુત્રના દેખતાં એ રૂપિયો કૂવામાં નાખી દીધો.

થોડા દિવસ આમ જ ચાલ્યું. પિતા દીકરાને કશું કહે નહિ અને એની કમાણીનો રૂપિયો કૂવામાં નાંખી દે. હવે પુત્ર અકળાયો. તેણે પૂછ્યું, ‘પિતાજી, મારી કાળી મજૂરીનો રૂપિયો તમે આમ કૂવામાં શા માટે નાખી દો છો?’

પિતાએ એને કહ્યું: ‘હું જાણું છું કે તું દિવસભર સખત મજૂરી કરે છે ત્યારે એક રૂપિયો કમાય છે. તારી મહેનતનો એક રૂપિયો જ્યારે હું કૂવામાં નાંખી દઉં છું ત્યારે તારું હ્રદય કપાઈ જતું હશે એ પણ હું સમજી શકું છું. એ જ પ્રમાણે દીકરા, મારા કમાયેલા રૂપિયા તું જ્યારે ગમે તેમ વેડફી નાખતો હતો ત્યારે મને કેવું લાગતું હશે એ તને હવે સમજાયું હશે.’

પુત્રને પોતાની ભૂલ સમજાઈ ગઈ. એણે પિતાને કહ્યું: ‘હવેથી હું રૂપિયા ગમે તેમ વેડફીશ નહિ.’

નકલ કરતા અક્કલ સારી

ઘણાં વરસો પહેલાંની વાત છે. એક ફેરિયો ટોપીનો વેપાર કરતો હતો. તે ગામે ગામ ફરી લોકોને કહેતો રંગબેરંગી ટોપી લઈ લો. એની રંગીન ટોપી લોકોને ગમતી હતી. લોકો તે ખરીદી લેતા હતા ને પહેરી ખુશ થતાં હતાં

એક દિવસ ટોપીનું પોટલું લઈ ખૂબ ચાલી તે થાકી ગયો હતો. રસ્તામાં એક મોટું ઝાડ આવ્યું. તેને થયું કે લાવ બે ઘડી આરામ કરું. ઝાડની છાયામાં તે પગ લંબાવી સૂતો. ઝાડ નીચે સરસ ઠંડો પવન આવતો હતો. થોડીવારમાં તો તે ઘસઘસાટ ઊંઘી ગયો.

એ ઝાડ ઉપર વાંદરા બેઠા હતા. વાંદરાંઓએ રંગબેરંગી ટોપીનું પોટલું જોયું ને નીચે ઊતરી આવ્યાં. એક અટકચાળા વાંદરાને તોફાન સૂઝ્યું. તેણે ટોપીઓનું પોટલું છોડી નાંખ્યું અને એક ટોપી કાઢી પહેરી લીધી. એનું જોઈને બાકીના બધાં વાંદરાંઓએ પણ ટોપીઓ લઈને પહેરી લીધી. કોઈએ એક રંગની ટોપી પહેરી તો બીજાએ બીજા રંગની ટોપી માથે ચડાવી.

થોડીવારે ફેરિયો જાગ્યો. એણે જોયું તો પોટલું ખાલી ને ટોપીઓ ગુમ. આજુબાજુ બધે જોયું તો ક્યાંય ટોપીઓ ન દેખાય. પછી ઉપર નજર કરી તો દેખાયું કે ઝાડ ઉપર ઘણાં બધાં વાંદરાંઓ ટોપી પહેરી કૂદાકૂદ કરતાં હતાં.

થોડો વખત તો તે વિચારમાં પડી ગયો કે હવે કરવું શું? વિચાર કરતા કરતા ફેરિયાને એક યુક્તિ જડી ગઈ. તે જાણતો હતો કે વાંદરાં નકલખોર હોય છે. તેણે પોતે પહેરેલી ટોપી માથેથી ઉતારી હાથમાં લીધી અને વાંદરાઓની તરફ જોરથી દૂર ફેંકી. વાંદરાંઓએ આ જોયું અને તેઓએ પણ ફેરિયાની નકલ કરી. ફેરિયાની જેમ જ દરેક વાંદરાએ પોતાના માથેથી ટોપી ઉતારી ફેરિયા તરફ ફેંકી.

બધી ટોપીઓ ટપોટપ નીચે આવી ગઈ. ફેરિયાએ બધી ટોપી વીણી લીધી અને તે પોટલામાં બાંધી ત્યાંથી ઝટપટ રવાના થઈ ગયો.

નકલ કામ બગાડે પણ અક્કલ કામ સુધારે તે આનું નામ !

કાગડો અને શિયાળ

એક કાગડો હતો. બપોરના સમયે તે ભૂખ્યો થયો. ખોરાક શોધવા તે આમતેમ ઊડાઊડ કરતો હતો. એટલામાં તેનું ધ્યાન ઘેટાં બકરાં ચરાવતા એક ભરવાડ તરફ ગયું. ભરવાડ એક ઝાડ નીચે પોતાનું ભાથુ છોડી રોંઢો કરવા બેઠો હતો. કાગડો તેની પાસે જઈ કા કા કરવા લાગ્યો. ભરવાડને તેની દયા આવી અને રોટલાનો ટુકડો તેની તરફ ફેંકયો.

કાગડાએ રાજી થતા તે ઝડપી લીધો. દૂર દૂર જઈ એક ઝાડની ઊંચી ડાળે બેઠો ને રોટલો ખાવાની તૈયારી કરવા લાગ્યો.

એક લુચ્ચા શિયાળે કાગડાના મોંમાં રોટલો જોયો. તે ઝાડ નીચે દોડી આવ્યું. શિયાળે કાગડાને કહ્યું, કાગડાભાઈ જરા સમજો તો ખરા. આ વેળા ગાવાની છે ખાવાની નહિ. વળી તમારો અવાજ પણ બહુ મધુરો છે!

કાગડો તો લુચ્ચા શિયાળની વાત સાંભળી ફુલાઈ ગયો. શિયાળે કાગડાને વધુ ફુલાવતાં કહ્યું, આજે મને તમારું મધુર ગાન સાંભળવાનું ખૂબ મન થયું છે. મારી ઈચ્છા તમે પૂરી કરો તેવી મારી વિનંતી છે!

કાગડો પોતાનાં વખાણ સાંભળી વધુ ફુલાયો. તેણે ગાવા માટે મોં ખોલ્યું કે તરત જ મોં માંથી રોટલાનો ટુકડો નીચે પડી ગયો.

શિયાળ તો તૈયાર જ બેઠું હતું. તેણે રોટલાનો ટુકડાને નીચે પડતાં પહેલાં જ મોંમાં ઝીલી લીધો. રોટલો મોજથી ચાવતાં ચાવતાં ભાગી ગયું. કાગડાભાઈનું મધુર ગાન સાંભળવા એ કંઈ ઊભું રહ્યું નહિ. કા કા કરતા કાગડાને પોતે છેતરાયો છે એવું મોડે મોડે ભાન થયું. પણ પાછળથી પસ્તાવાનો શો અર્થ ? મોઢામાં આવેલો રોટલો તો ચાલ્યો ગયો!

બાપા કાગડો

એક છોકરો. છોકરો બહુ કાલો ને પડપૂછિયો હતો. રોજ તે બાપની સાથે દુકાને જાય અને બાપને કાંઈનું કાંઈ પૂછ્યા જ કરે. વાણિયો એટલો બધો શાંત હતો કે દીક...