એક રાજ્યમાં એક રાજા રાજ કરતો હતો.કેટલાક દુશ્મનોએ રાજાને મારવાનું કાવતરું કર્યું.રાજા સુતા હતા ત્યાં છરો લઇ પહોંચી ગયા અને રાજાના કમરાની બહાર સંકોચાઈને-સંતાઈને બેસી ગયા.
બરાબર ત્યારે જ રાજાને સપનું આવ્યું. એણે સપનામાં એક બતક જોયું. બતક શરીર સંકોચીને પાણીમાં બેઠું હતું. રાજા ઊંઘમાં જ બોલ્યો:
"કુક્કડ મુક્કડ બેઠા છે".
ખૂનીઓ ચમકી ગયા કે રાજા જાણી ગયો છે કે તેઓ બહાર બેઠા છે?
ખૂનીઓ સાવચેતીથી કમરામાં જવા જમીન ખોદવા લાગ્યા. બરાબર ત્યારે જ રાજાએ સપનામાં કૂતરું જોયું જે જમીન ખોદતું હતું.રાજા ઊંઘમાં જ બોલ્યો:
"ખદબદ ખદબદ ખોદે છે".
ખૂનીઓ સમજ્યા કે રાજા તેમને જોઈ ગયો લાગે છે. ખૂનીઓ ગભરાઈ ગયા અને ભાગ્યા.બરાબર ત્યારે જ રાજાએ સપનામાં ઘોડો જોયો જે દોડતો હતો. રાજા ઊંઘમાં જ બોલ્યો:
"ધડબડ ધડબડ દોડે છે".
હવે તો ખૂનીઓને લાગ્યુંકે રાજા એમને જોઈ જ ગયો છે એટલે એમને પકડીને ફાંસી જ આપી દેશે. ખૂનીઓ રાજ્ય છોડીને જ ભાગી ગયા.
આમ રાજાને સપનાં આવ્યાં એમાં અનાયાસે જ રાજા બચી ગયો!
No comments:
Post a Comment