જંગલમાં સિંહનું રાજ ચાલે. બધા પ્રાણી ગુલામ બની ગયાં હતાં. સિંહ ફાવે તેનો શિકાર કરતો. ફાવે તેમ જુલમ કરતો. બધાં પ્રાણીઓ તેનાથી ત્રાસી ગયાં હતાં.
એક દિવસ બધાં આરામ કરતા બેઠા હતા. ત્યારે શિયાળે ધીમે રહીને કહ્યું, ‘હવે તો આપણો દેશ પણ આઝાદ છે. લોકોનું રાજ ચાલે છે. તો પછી આપણે આ ગુલામી કયાં સુધી વેઠવાની?’
વરુએ શિયાળની વાતને ટેકો આપતાં કહ્યું, ‘સાચી વાત છે. આપણે સૌએ જાગવું જોઈએ. આજે જ નિર્ણય લઈએ કે આઝાદ થવા માટે શું કરવું!’ રીંછ, વાંદરા, સસલાં, હરણ, ભૂંડ વગેરે દોડતા આવ્યા. વાતો ચાલવા લાગી. એવામાં હાથી પણ આવ્યો. બધાં પોતપોતાની બુદ્ધિ પ્રમાણે રસ્તો બતાવવા માંડયા.
હાથીએ કહ્યું, ‘આપણે બધાં પહેલાં સિંહને મળીએ. તેને માંડીને વાત કરીએ. જો એ વાત નહીં માને નહીં સુધરે તો આપણે એની સામે બળવો કરીશું.’
હાથીની વાત બધાં પ્રાણીઓના ગળે ઊતરી. તેઓ સૌ ભેગા થઈને સિંહ પાસે ગયા. પ્રાણીઓનું ટોળું જોઈને સિંહ વિચારમાં પડી ગયો અને હસવા માંડયો.
શિયાળે નમ્રતાથી વાત શરૂ કરી, ‘સિંહરાજા, હવે અમે આઝાદ થવા માગીએ છીએ. તમારા રાજમાં અમે દુ:ખી-દુ:ખી થઈ ગયા છીએ. અમે તમને જંગલ છોડીને ચાલ્યા જવાની વિનંતી કરીએ છીએ.’
શિયાળની વાત સાંભળતા જ સિંહ તાડુકી ઊઠયો, ‘હું તમારી વાત માનવા તૈયાર નથી. હું તમારો રાજા છું. તમે મારા ગુલામ છો. આ જંગલમાં માત્ર મારું જ રાજ ચાલશે. તમે સૌ અહીંથી ચાલ્યા જાઓ. નહીંતર...’
પ્રાણીઓ પણ ગુસ્સે ભરાયા. સિંહ સામે જોઈને બોલ્યા, ‘પ્રાણી એકતા ઝિંદાબાદ!’, ‘અમારે સિંહ નહીં જોઈએ’, ‘જંગલ છોડી સિંહ ચાલ્યો જાય...’ વગેરે નારા લગાવતાં પ્રાણીઓ પાછાં વળ્યાં.
તેમણે ફરીથી સાંજે મિટિંગ ભરી. સૌમાં જુસ્સો હતો. એક સેના બનાવવામાં આવી. હથિયારો આવી ગયાં. સિંહ સામે લડવાની તૈયારી થઈ ગઈ. વાંદરાભાઈએ તીરકામઠું બનાવ્યું. રીંછે ભાલો બનાવ્યો. હાથીએ ગદા બનાવી. બકરાએ બનાવ્યો બોમ્બ. લડવાની પૂરી તૈયારી થઈ. શિયાળે બધું જોઈ તપાસી આગળ વધવાનો હુકમ કર્યો.
બીજાં પ્રાણીઓ પણ ત્યાં આવી ગયાં. કોઈકે હાથમાં પથ્થર તો કોઈકે લાકડાં લીધાં. ધીમે-ધીમે સેના સિંહના ઘર આગળ પહોંચી. સિંહ ખાઈપીને આરામથી સૂતો હતો. હાથીએ સૂંઢમાં રાખેલી ગદાને પછાડતાં સિંહ ઉપર તૂટી પડવાનો હુકમ આપ્યો.
સિંહ ગભરાઈ ગયો. આટલી મોટી સેના અને હથિયારો જોઈને તે નવાઈ પામ્યો. તે હાથ જોડીને ઊભો રહી ગયો, ‘પ્રિય પ્રાણીઓ, તમારી માગણી સાચી છે. તમારા સંપ અને એકતા આગળ હું નમું છું. મને મારી ભૂલ સમજાઈ ગઈ છે. હું અહીંથી આજે જ મારા વતનમાં ચાલ્યો જાઉ છું. આજથી હું રાજા નથી. તમે આઝાદ છો.’
શિયાળ ચાલાક હતું. તેણે કહ્યું, ‘એમ મોઢાંની વાત ચાલે નહીં. લખાણ કરી આપો. લખાણ થયું. સહી-સક્કિા થયાં. સિંહની સહી અને તારીખ જોઈ લીધી. લખાણ લઈ પ્રાણી પાછા ફર્યા. સિંહ એ જ પળે જંગલ છોડી ચાલ્યો ગયો.
બધાં પ્રાણીઓ આનંદમાં આવી ગયાં. તોરણો બંધાવા લાગ્યાં. દારૂખાનું ફૂટયું. નાસ્તા-પાણી થવા લાગ્યાં. ‘આઝાદી અમર રહો’, ‘પ્રાણી એકતા ઝિંદાબાદ!’ના સૂત્રોથી જંગલ ગાજી ઊઠયું.
હાથીએ ચૂંટણીની યોજના સમજાવી. બધાં તૈયાર થયાં. હાથી, હરણ અને શિયાળ ચૂંટણીમાં ઊભાં રહ્યાં. હાથીને વધારે મત મળ્યા. હાથી જંગલનો મુખ્યમંત્રી બન્યો. શિયાળ, રીંછ, હરણ વગેરેને તેમની શકિત પ્રમાણે અન્ય વિભાગની જવાબદારી સોંપવામાં આવી. ત્યાર પછી તો બધાં કોઈની પણ બીક વગર સુખ-શાંતિથી જંગલમાં રહેવા લાગ્યાં. હાથી પણ એક યોગ્ય મહારાજની જેમ પ્રજાની સંભાળ લેવા માંડયો. - ફિલિપ કલાર્ક
No comments:
Post a Comment